મોરબી જિલ્લામાં પીવાના પાણીનો પુરતો જથ્થો, જરૂર પડ્યે ટેન્કરથી પાણી વિતરણ

રાજ્યમાં પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે રાજય સરકારે આગોતરુ આયોજન કરી લીધુ છે. હાલ મોરબી જિલ્લાના ૩૩૧ ગામોને અને જિલ્લાની નગરપાલીકાઓને જરૂરિયાત મુજબનો પીવાના પાણીનો જથ્થો પુરો પાડવામાં આવી રહ્યો છે જિલ્લામાં આવેલ જળાશયો મચ્છુ-૧, મચ્છુ-૨, બ્રામણી-૧માથી તેમજ નર્મદાનું પીવાનું પુરતુ પાણી તંત્ર દ્વારા અપાઈ રહ્યુ છે.તેમ  ઉર્જા અને જિલ્લા પ્રભારી મંત્રી સૌરભભાઈ પટેલે જિલ્લાના પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓ સાથે યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો સ્પષ્ટ અભિગમ છે કે કોઈપણ શહેર કે ગામ પીવાના પાણીથી વંચિત ન રહે અને જરૂર જણાયે તાત્કાલીક પીવાનું પાણી ટેન્કર મારફત પણ જરુરિયાત મુજબ અપાશે તે માટે સરકારની પૂરતી તૈયારી છે. તેમ તેમણે જણાવ્યું છે. બેઠકમાં જિલ્લાના અધિકારીઓ પાસેથી પીવાના પાણીની પરિસ્થીતી અને તેની સામે ઉપલબ્ધ પાણીના સ્ત્રોત ની જાણકારી મેળવી થયેલ કામગીરી આયોજનની સર્વગ્રાહી સમિક્ષા કરી હતી.

જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે હાલમાં મોરબી જિલ્લામાં મચ્છુ-૧, મચ્છુ-૨, બ્રામણી ડેમ અને નર્મદાનું પાણી મેળવાઈ રહ્યુ છે તેનાથી મંત્રીને વાકેફ કર્યા હતા. આ બેઠક પૂર્વે મંત્રીએ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મોરબી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.એસ.જી.લક્કડએ મંત્રીને મોરબી ડીસ્ટ્રીકટ હેલ્થ મીશન અંગે જાણકારી પૂરી પાડી હતી તથા જિલ્લામાં મળતી આરોગ્ય વિષયક સેવાઓની જાણકારી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેર મોદી, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારી શીવરાજસિંહ ખાચર, તથા જિલ્લાના સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat