


ગાંધીના ગુજરાતમાં કહેવા પુરતી દારૂબંધી હોય બાકી દેશી વિદેશી દારૂની રેલમછેલ ગુજરાતના દરેક શહેરમાં જોવા મળતી હોય છે અને વિદેશી દારૂની બેફામ હેરાફેરી કરવામાં આવતી હોય જેમાં ગત રાત્રીના વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આર આર સેલની ટીમે એક ટ્રકને આંતરી ટ્રકમાં ભરેલો ૫૨ લાખની કિમતનો વિદેશી દારૂનો જથ્થો અને ટ્રક મળીને ૬૨ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
રાજકોટ રેંજ આઈજી ડી.એન. પટેલની સુચનાથી આર આર સેલની ટીમ પેટ્રોલિંગમાં હોય જે દરમિયાન હરિયાણાથી એક ટ્રકમાં જંગી દારૂનો જથ્થો લઈને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થવાની બાતમીને આધારે આર આર સેલની ટીમે વોચ ગોઠવી હતી જેમાં વાંકાનેર બાઉન્ડ્રીથી ભલગામ પાટિયા તરફ જવાના રસ્તેથી પસાર થતી ટ્રક નું એપી ૨૯ ટીબી ૨૫૬૫ ને આંતરીને તલાશી લેતા ટ્રકમાંથી છુપાવીને રાખેલો જુદી જુદી બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૭૪૨૮ કીમત ૨૮,૫૩,૦૦૦ તેમજ અન્ય ૧૭,૬૧૬ દારૂની બોટલ કીમત ૧૭,૬૧,૬૦૦ અને બીયર નંગ ૫૮૮૦ કીમત ૫,૮૮,૦૦૦ મળી કુલ ૫૨,૦૯,૯૦૦ ની કિમતનો દારૂનો જથ્થો મળી આવતા વિદેશી દારૂ-બીયરનો જથ્થો તેમજ ટ્રક અને મોબાઈલ સહીત કુલ ૬૨,૦૯,૧૦૦ ની કિમતનો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે
વિદેશી દારૂ ભરેલી ટ્રક લઈને નીકળેલા ટ્રક ચાલક સરબજીતસિંહ સોહનસિંહગ જાટ (ઊવ ૩૨) રહે. પંજાબ વાળાને ઝડપી લેવામાં આવ્યો છે જયારે દારૂનો જથ્થો મોકલનાર તરીકે રાહુલસિંહ જાટ રહે હરિયાણા, ટ્રકના માલિક મહાવીર બાબુલાલ રહે. તેલંગાના અને એક મોબાઈલનં એમ ત્રણ આરોપીના નામો ખુલતા તે દિશામાં વધુ તપાસ ચલાવી છે.
આર્મીની ડુપ્લીકેટ બિલ્ટીનો કરાયો ઉપયોગ
હરિયાણાથી વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને નીકળેલી ટ્રકમાં આર્મીનો સામાન ભરેલો હોવાની ડુપ્લીકેટ બિલ્ટી બનાવાઈ હતી અને આ સામાન કચ્છના ભુજ ખાતેના આર્મી કેમ્પ ખાતે રવાના થયો હોય જેથી રાજ્યની બોર્ડર પરથી ટ્રક હેમખેમ પસાર થઇ હતી જોકે આર આર સેલની ટીમે બાતમીને આધારે ટ્રક ઝડપી લીધી હતી અને જંગી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે ત્યારે આર્મીની ડુપ્લીકેટ બિલ્ટી અંગે પણ વધુ તપાસ ચલાવવામાં આવશે

