

મોરબી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં અપમૃત્યુના પાંચ બનાવો સામે આવ્યા હતા. જેમાં બીમારીથી કંટાળીને અને અગમ્ય કારણોસર બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું, જ્યારે એક માસૂમ બાળકનું પાણીની કુંડીમાં ડૂબી જવાથી મોત થયું હતું. અન્ય બે બનાવોમાં હાર્ટ એટેક અને વીજ કરંટ લાગવાને કારણે શ્રમિકોએ જીવ ગુમાવ્યા હતા. આ તમામ મામલે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.


વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા ૩૩ વર્ષીય જશુબેન સુરેશભાઇ કુંઢીયાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૃતક મહિલા છેલ્લા છ વર્ષથી મણકાની ગાદીની ગંભીર બીમારીથી પીડાતા હતા અને તેની સારવાર પણ ચાલુ હતી. લાંબા સમયની આ શારીરિક પીડાથી કંટાળી જઈને તેમણે પોતાના ઘરના બીજા માળે પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.
મોરબીના વિશીપરા વિસ્તારમાં વર્ષના માસૂમ બાળક આદિત્યભાઇ મનુભાઇ મકવાણાનું મોત થયું હતું. અમૃત ઇન્ડસ્ટ્રીઝ પાસે આ બાળક રમતા-રમતા અચાનક પાણીની કુંડીમાં પડી ગયો હતો. કુંડીમાં ડૂબી જવાથી શ્વાસ રૂંધાવાને કારણે માસૂમ આદિત્યનું મોત નીપજ્યું હતું.
ત્રીજા બનાવમાં, છત્તીસગઢના રાયપુરના વતની અને હાલ મોરબીની જી.કે. હોટલમાં રોકાયેલા ૬૦ વર્ષીય મનોજ ગીરધારીલાલ ગુપ્તાનું હાર્ટ એટેક આવવાથી મોત થયું હતું. તેઓ ત્રાજપર ચોકડી પાસે આવેલી હોટલમાં રોકાયા હતા, જ્યાં રાત્રિના સમય દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા તેમણે દમ તોડ્યો હતો. સવારે આ ઘટનાની જાણ થતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
ચોથી ઘટના મોરબી તાલુકા પોલીસ મથક હેઠળના ઉંચી માંડલ ગામની સીમમાં બની હતી. અહીં સેલ્ટોસ સિરામિક પાસે રહેતા ૫૦ વર્ષીય ઇશ્વર લીલાધરા માલીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. આત્મહત્યાની જાણ થતા તેમના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. આ શખ્સે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
પાંચમા બનાવમાં, ટંકારાના નેકનામ ગામની સીમમાં ઝારખંડના એક શ્રમિકનું વીજ કરંટ લાગતા મોત થયું હતું. ૩૨ વર્ષીય ગોવિંદભાઇ નરેશભાઇ માંજી હજુ બે દિવસ પહેલા જ મજૂરી કામ માટે વતનથી અહીં આવ્યા હતા. દરમિયાન નેકનામ રોડ પર આવેલી એક વાડી પાસે ઈલેક્ટ્રિક ટી.સી. નીચે અચાનક તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.