મોરબીના ગાળા ગામની સીમમાં કારખાનામાં ચોરી કરનાર ગેંગના ૪ સાગરીતો ઝડપાયા: ૧.૯૪ લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ બજરંગ કોટન ઇન્ડસ્ટ્રીઝ નામના બંધ કારખાનાને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવામાં મોરબી એલસીબીને સફળતા મળી છે. બાતમીના આધારે હાથ ધરાયેલ તપાસમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ વાહનો સાથે ચાર શખ્સોને રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કેસની વિગત મુજબ, માર્ચ મહિનામાં તસ્કરોએ બંધ કારખાનામાં પ્રવેશ કરી સીસીટીવી કેમેરા, એનવીઆર, ટીવી તેમજ કિંમતી કોપર પ્લેટો અને વાયરની ચોરી કરી હતી. તપાસ દરમિયાન બાતમી મળી હતી કે એક સીએનજી રીક્ષા અને મોટર સાયકલ સાથે ચાર શખ્સો ચોરીના મુદ્દામાલ સાથે પસાર થઈ રહ્યા છે. પોલીસે વોચ ગોઠવી રમેશ મનુભાઈ વાઘેલા, હમીર બહાદુરભાઈ વાઘેલા, અજય સુરાભાઈ વાઘેલા અને રણજીત ધનજીભાઈ માથાસુરીયાને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી ૩૪ કિલો કોપર વાયર, ૩૪ કિલો કોપરની પ્લેટના ટુકડા, ચાર મોબાઈલ અને વાહનો મળી કુલ રૂ. ૧,૯૪,૮૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ ગેંગની મોડસ ઓપરેન્ડી તપાસતા જાણવા મળ્યું હતું કે તેઓ દિવસ દરમિયાન ભંગાર લે-વેચના બહાને બંધ કારખાનાઓની રેકી કરતા હતા અને રાત્રિના સમયે ચોરીને અંજામ આપતા હતા. પકડાયેલા આરોપીઓ પૈકી અજય વાઘેલા અને હમીર વાઘેલા વિરુદ્ધ અગાઉ અલગ-અલગ જિલ્લાઓમાં ૧૦ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. હાલ પોલીસે આ ચોરીમાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સો હમીર ધનજીભાઈ માથાસુરિયા, ધનજી વેરશીભાઈ માથાસુરિયા, હેમંત સેરાભાઈ વાઘેલા અને સુરેશ બચુભાઈ સાડમિંયાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરી દ્વારા વણશોધાયેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે.

Leave A Reply

Your email address will not be published.