


મોરબીના આમરણ નજીક આવેલા અંબાલા ગામમાં અનોખા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગામમાં વસતા અંદરપા પરિવારના માતૃશ્રી લક્ષ્મીબેન તરસીભાઈ અંદરપાએ જીવનના ૧૦૦ વર્ષ પૂર્ણ કરતા તેમના પરિવાર દ્વારા માતૃવંદના શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદરપા પરિવાર દ્વારા ગામમાં ૧૦૧ કુંડી યજ્ઞ યોજીને ધામધૂમથી ધાર્મિક મહોત્સવના વાતાવરણમાં માતાના ૧૦૦ માં જન્મદિવસની ઉજવણી કરી હતી તો આ પ્રસંગે અંબાલા જુના અને નવા ગામના ૧૮૦૦ લોકોએ સમૂહ પ્રસાદનો પણ લાભ લીધો હતો. જીવનની સદી પૂર્ણ કરનાર સ્વસ્થ અને સેવાભાવી સ્વભાવના માતાના જન્મદિવસની ઉજવણી કરીને અંદરપા પરિવારે નવો રાહ ચીંધ્યો છે. ખેડૂત પરિવારમાં જન્મેલા શ્રવણ સમા દીકરાઓએ ધંધા ઉદ્યોગમાં કાઠું કાઢીને પરિવારનું નામ રોશન કર્યું છે તો માતાના ૧૦૦ માં જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંબાલા ગામ સમસ્ત ઘુમાડાબંધ જમ્યું હતું અને આ અનેરા ઉત્સવનું આખું અંબાલા ગામ સાક્ષી બની રહ્યું હતું.